Share
જગતકલ્યાણ BACK

પ્રિય મિત્રો, તમે સહુએ સાંભળ્યું હશે કે “દરેક મોટી વસ્તુની શરૂઆત નાની હોય છે” અથવા “હજારો માઈલની મુસાફરી એક પગલાથી શરૂ થાય છે.” તમને ચોક્કસ નવાઈ લગતી હશે કે, હું શું કામ લાંબી મુસાફરીની અને મોટી વસ્તુઓની વાત કરું છું. જગત કલ્યાણ – હા... તમે બરાબર વાંચ્યું. પરમ પૂજ્ય દાદા ભગવાનની એક માત્ર સંસારી ઈચ્છા, જેના માટે તેમણે તેમનું આખું જીવન સમર્પિત કર્યું હતું, એવા જગતકલ્યાણ વિષે આ મહિને આપણે વાત કરીશું. બીજા શબ્દોમાં કહીએ તો, “આ જગતના લોકોએ સુખ, શાંતિ અને શાશ્વત આનંદની ખોજ કરવી જોઈએ.” મને ખબર છે, તમે સહુ વિચારશો કે અમે તો હજી નાનાં છીએ, અમારે શા માટે આ બધું જાણવાની કે એમાં ઊંડા ઉતારવાની જરૂર? અમે આ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? જે વસ્તુ અમારા માટે શક્ય ના હોય, તેના માટે શા માટે અમે વિચારીએ? એક મીનીટ, કોઈ પણ મત બાંધવામાં ઉતાવળ ન કરશો, કારણ કે મને ખાત્રી છે કે આ મહિનાનો અંક વાંચ્યા પછી, તમે સહુ આખી જિંદગી આ જ સફરમાં જોડાઈ જવાનું નક્કી કરી દેશો. તમને ખબર છે, દાદા ભગવાન અને નીરુમા એ તેમનું આખું જીવન જગતકલ્યાણ માટે સમર્પિત કરી દીધું હતું? અને હવે આપણે જોઈએ છીએ, પૂજ્યશ્રી દિપકભાઈ પણ અવિરતપણે દાદા ભગવાનની આ ઈચ્છા પૂરી કરવા કાર્યરત છે! આ નિસ્વાર્થ આશયનું પરિણામ છે કે આજે પણ આપણે જયારે દાદા કે નીરુમાને યાદ કરીએ છીએ, ત્યારે આપણું હૃદય આનંદથી છલકાઈ જાય છે. જ્યારે પૂજ્યશ્રી આપણી આસપાસ હોય છે, આપણે પરમઆનંદ અને શાંતિ અનુભવીએ છીએ. નિસ્વાર્થ ભાવે કરાતા જગતકલ્યાણનો આવો પ્રભાવ હોય છે! તો, ચાલો દાદા ભગવાનની જગતકલ્યાણની આ ઈચ્છા વિષે સમજીએ અને જાણીએ તથા તેમની આ સફરમાં જોડાઈ એક નાનું ડગલું પણ માંડી શાશ્વત આનંદ અનુભવીએ..... જય સચ્ચિદાનંદ.....!!! - ડિમ્પલ મહેતા