Share
બ્રહ્મચર્ય BACK

આ મહિને, આપણે એક વિશિષ્ટ અનુભવ કરવા જઈ રહ્યા છીએ. આ ભરતીની સામે તરવા જેવું છે. આપણે બ્રહ્મચર્ય વિષે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બ્રહ્મચર્ય એ શસ્ત્રાગારનું એવું સૌથી શક્તિશાળી હથિયાર છે, જે આપણને સંસારની બધી જ સમસ્યાઓનું મૂળ એવા અબ્રહ્મચર્યના ઊંડા ખાડામાં પડતા બચાવે છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ બ્રહ્મચર્યના મહત્વને આત્મસાત (સમાવેશ) કરેલ હતું. આશ્રમ વ્યવસ્થામાં (વય અનુસાર જીવનના ચાર ભાગ), પહેલો આશ્રમ, જન્મથી યુવાવસ્થા સુધીની ઉંમરને બ્રહ્મચર્ય આશ્રમ કહેવતો. ખીલી રહેલા યુવાનોમાં બ્રહ્મચર્ય માટે શિસ્ત, માર્ગદર્શન અને શુધ્ધતા(પ્યોરીટી) આવશ્યક હોય છે. આપણા ધર્મમાં પણ બ્રહ્મચર્યનો સ્વીકાર થયા છતાં, તેને અંગેની સાચી સમજણ મોટેભાગે ભ્રામક જ રહી છે. સાચા જ્ઞાનના અભાવે, આપણે અસહાય દશામાં અસંયમના વમળમાં ફસાઈ જઈએ છીએ. આ દુષણકાળના પ્રવાહમાં, તમારી પર આખો દિવસ અબ્રહ્મચર્યને લગતી સામગ્રીઓનો અવિરત મારો તો થયા જ કરે છે, પણ એમાં કઈ ખોટું છે એવું કોઈ વિચાર સુધ્ધા કરતું નથી. અબ્રહ્મચર્યના પરિણામ કેટલા નુકસાનકારક અને જોખમી છે, તે આજનું યુથ જાણતું નથી, જે ભ્રમ સિવાય બીજું કઈ નથી. પૂજ્ય દાદાશ્રી અબ્રહ્મચર્યને ગંદવાડાના ઢગલો કહેતા. અબ્રહ્મચર્યના ભ્રમિક આનંદની મન્યતાએ મોટા મોટા સંતો અને ગુરુઓને પણ અધ્યાત્મની ટોચ પરથી ગબડાવ્યા છે. તમારી ઉંમરમાં, તમે તમારું ધ્યાન અભ્યાસ અને કારકિર્દી પર કેન્દ્રિત કરો એ ખુબ અગત્યનું છે, કારણકે આ ઉંમરે તમે જે કાઈ પુરુષાર્થ કરશો તેના પર તમારા જીવનની સફળતાનો પાયો નંખાશે. અબ્રહ્મચર્યના વિચારો તમારા ધ્યાન અને એકાગ્રતાને અત્યંત નુકસાનકર્તા હોય છે. યુવાવસ્થાથી જ જો તમે બ્રહ્મચર્યની પ્રચંડ શક્તિથી વાકેફ હો તો અબ્રહ્મચર્યથી દુર રહેવાનું તમારા માટે સરળ થઇ જાય. આ મહિનાના અંકમાં, અમે બ્રહ્મચર્યના સવેદનશીલ વિષયનો પરિચય કરાવી રહ્યા છીએ, એવા પ્રમાણિક પ્રયાસ સાથે કે આજનું યુથ (આજના યુવાનો) વિષય-વિકારના ભ્રામિક આનંદના વમળમાં ફસાતા પહેલા કૈક વિચારે.