Share
વડીલોની સેવા BACK

મનુષ્ય જીવનની સાર્થકતા શેમાં રહેલી છે એવું આપણે કદી વિચાર્યું છે ખરું ? યશ, નામ, કીર્તિ, લક્ષ્મી ઉપાર્જનમાં કે પછી બીજુ કાંઈ ? પોતાના સિવાય, મા-બાપ માટે પણ આપણી કોઈ ફરજ તો હશે ને ? મા-બાપ, વડીલોનો ઉપકાર જીવનમાં કેમ કરીને ભૂલી શકાય ? એ ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકાય ? દરેક ધર્મ એક જ વાત દોહરાવે છે કે આ ઉપકારનો બદલો માત્ર સેવાધર્મથી જ વાળી શકાય ! ખરી માનવતા કે માનવધર્મ એ જ છે કે સેવાના સિંચનથી આપણું જીવન દીપે ને આપણાથી બીજાને સુખ થાય. પૂજ્ય દાદાશ્રી કહે છે કે જીવનમાં સુખી થવું હોય તો સુખની દુકાન કાઢો. માતા-પિતા, વડીલોને ક્યારેય વિસરવા ના જોઈએ. એથીય આગળ વધીને પ્રેમથી અપેક્ષા વગર સેવા કરો. ગુરુની, જ્ઞાનીની સેવા તો કદાચ બધાને ન પણ મળે, પણ માતા-પિતા, વડીલોની સેવા તો બધા અચૂક કરી શકે. માતા-પિતાની, વડીલોની ફક્ત સેવા જ નથી કરવી, પણ એમનું હૃદય ઠારવું છે, એમને રાજી કરવા છે. એમના આશીર્વાદથી આપણા કામ સફળ થશે, આપણને આનંદ રહેશે અને અંદરથી શાંતિ રહેશે. ચાલો, આ અંકમાં માતા-પિતા અને વડીલો માટે દાદાશ્રી શું કહેવા માંગે છે એ સમજીયે.