Share
કલમ ૫ - કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય BACK

મિત્રો, વાણી એ આપણા સારા-નરસા અભિપ્રાયો, ભાવો કે લાગણીઓને અભિવ્યક્ત કરતું ખૂબ જ અસરકારક માધ્યમ અને આપણા વ્યક્તિત્વનો અરીસો છે. જો એક તરફ વાણી દ્વારા નીકળેલા સારા શબ્દો સંબંધોને સુધારે છે તો બીજી તરફ વાણીથી બોલાયેલા કઠોર શબ્દોથી જબરદસ્ત વેર પણ બંધાય છે. આપણે ત્યાં કહેવત છે, “તલવારના ઘા રૂઝાય પણ વાણીના ઘા ન રૂઝાય.” આ કહેવતને સાર્થક કરતાં ઘણાંદાખલાઓ ઈતિહાસમાં આલેખાયેલા છે. “આંધળાના છોકરાં આંધળા.”, પાંડવપત્ની દ્રૌપદીના મુખે બોલાયેલા આ એક જ વાક્યે પિતરાઈ ભાઈઓ વચ્ચે મહાભારતના ભીષણ યુદ્ધના કેવાં બીજ રોપી દીધાં હતાં તે તો આપણે સૌ જાણીએ જ છીએ. ‘આપણી વાણી થકી કોઈને દુ:ખ ન હોજો’ એવો સાધારણ ભાવ તો આપણને સૌને હોય જ છે છતાં એવી વાણી બોલાઈ જાય છે કે જેનાથી આપણા મિત્રો, પરિવારજનો અથવા તો જેની પણ સાથે વ્યવહાર ઊભો થયો હોય એને ઘા વાગી જાય. અક્રમ યુથનો આ અંક નવ કલમોમાંની પાંચમી કલમ ઉપર છે જે આ જ કચાશને તોડવાની શક્તિ પ્રદાન કરાવે છે. મને વિશ્વાસ છે આ અંક વાંચ્યા પછી તમારો પાંચમી કલમ થકી શક્તિ માંગી સૌને પ્રિય થઈ પડે એવી ભાષા (વાણી) બોલવાનો ભાવ મજબૂત થઈ જશે જ.