Share
કલમ ૬ - કચિત્માત્રપણ વિષય-વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય BACK

વ્હાલા મિત્રો, શું તમે જાણો છો દરેક જીવ ચાર સંજ્ઞાઓ સાથે જન્મે છે? આહાર, ભય, મૈથુન (વિષય) અને નીંદ્રા (ઊંઘ). આ ચારમાંથી ત્રણ સંજ્ઞાઓ તો બાળપણથી તેનો સ્વભાવ બતાડે છે. તેથી જ તો નાનું બાળક હોય કે આપણા જેવા યુવાન હોય બધાને ભૂખ લાગે, ઊંઘ આવે અને અમુક સંજોગોમાં ભય પણ લાગે છે. ફક્ત એક મૈથુનની સંજ્ઞા યુવાનીમાં પગ મૂક્યા પછી પોતાનો પ્રભાવ બતાવવાની શરૂઆત કરે છે. તેને લીધે યુવકો અને યુવતીઓને એકબીજા પ્રત્યે આકર્ષણ ઉભું થવા લાગે છે. વિષય સિવાયની ત્રણ બાબતોનું જોખમ મોટું નથી પણ આ વિષય સામે અને ખાસ કરીને અણહક્કના વિષયોના જોખમો ભયંકર હોવાથી તેની સામે બહુ જ જાગૃત રહેવા દાદા ભગવાને વારંવાર ચેતવ્યા છે. લગ્ન થતાં પહેલાં, વિષય-વિકાર સંબંધી કુતુહુલતા ક્યારે વિકૃત વૃત્તિઓ અને ચેષ્ટાઓમાં પરિણમે છે તેની આપણને ખબર સુદ્ધા પડતી નથી. વળી, આ અણહક્કના વિષય-વિકારી દોષોના પરિણામ કેવા ભયંકર હોય છે તેની અજ્ઞાનતાના કારણે આપણે આ કાદવમાં વધારે ને વધારે ઊંડા ગરકાતા જઇએ છીએ. પરમ પૂજ્ય દાદા ભગવાન દ્વારા આપેલ નવ કલમોમાંની છઠ્ઠી કલમનું આરાધન કરવાથી આ સૌથી ભારે વિષય સંબંધી દોષોમાંથી મુક્ત થવા માટે અને એનાથી દૂર રહેવા માટે યોગ્ય સમજણ અને શક્તિ મળે છે. પ્રસ્તુત સંકલનમાં છઠ્ઠી કલમ અને વિષય-વિકારી દોષોની વિસ્તૃત જાણકારી સાથે તેમાંથી બહાર નીકળવા માટેની સમજણ વણી લેવામાં આવી છે. મને ખાતરી છે આ અંક આપ સૌને વિષય સંબંધી દોષો સામે સતત જાગૃત રહી અને તેમાંથી બહાર નીકળવા માટે પુરુષાર્થ આદરવાનું એક મોટું પ્રેરકબળ બની રહેશે. ઓલ ધ બેસ્ટ. ફરી મળીશું આવતા મહિને, નવી કલમ, નવી સમજણ સાથે... જય સચ્ચિદાનંદ!!!