Share
કલમ ૭- મને કોઈપણ રસમાં લુબ્ધપણું ન કરાય, સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. BACK

પ્રિય યુવા મિત્રો, જેમ પાવર સ્ટેશનને તેની ઉર્જા ઉત્પન્ન કરવા માટે ગેસ અથવા કોલસાની આવશ્યકતા હોય છે, તેવી જ રીતે આપણા શરીરને શક્તિ આપવા માટે - ખોરાકના રૂપમાં - બળતણની જરૂર પડે છે. વ્યક્તિના શારીરિક અને માનસિક વિકાસમાં તેમ જ રોગમુક્ત સ્વસ્થ જીવન માટે સંતુલિત ખોરાક ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આજે જ્યારે આધુનિક જીવનશૈલીના જંક ફુડ્સ જેવા કે પિત્ઝા, બર્ગર, ફ્રાઇસ, પાવભાજી, વડાપાવ, વગેરે આપણા રોજીંદા આહારનો ભાગ બની ચૂક્યા છે અને ખાવા-પીવાના નિયમો કોરાણે મુકાઈ ગયા છે, ત્યારે દાદાશ્રીના કથન મુજબની છ રસયુક્ત આદર્શ આહાર સંબંધી ચર્ચા કરવી કદાચ તમને અપ્રસ્તુત કે નિરર્થક લાગે, પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અક્રમ યુથના આ અંકમાં આહાર સંબંધી જે રસપ્રદ માહિતી પીરસવામાં આવી છે તે તમને રસતરબોળ કરી દેશે. સાથે સાથે સાતમી કલમની યથાર્થ સમજણ તમને સૌને સમરસી આહાર લેવાની પ્રેરણા આપશે તેમ જ જો આ પ્રમાણે આહાર ન લઈ શકાતો હોય તો તેની આડે આવતા સર્વ અંતરાય દૂર કરવામાં મદદરૂપ પણ બની રહેશે