Share
કલમ ૮ -કોઈપણ જીવ પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત્ માત્ર પણ અવણવાદ, અપરાધ, અવિનય ન કરાય.. BACK

ટીવી જોતાં, રમત રમતાં, મિત્રો સાથે ટોળ-ટપ્પણી કરતાં કે બીજી કોઈપણ પરિસ્થિતિમાં વ્યક્તિઓ વિષે કંઈક ને કંઈક અભિપ્રાય બંધાઈ જાય છે. મોટેભાગે આ અભિપ્રાય અને એને આધારિત વાણી નકારાત્મક હોય છે. આમાંની અમુક વ્યક્તિઓ તો હયાત પણ હોતી નથી. વળી, ઘણી ખરી વ્યક્તિઓ જેવી કે દેશ-વિદેશના નેતા, અભિનેતા/અભિનેત્રી, રમતવીરો વગેરે જેને આપણે ક્યારેય મળ્યા પણ ન હોઈએ, આપણી પાસે તેમની કોઈ વ્યક્તિગત જાણકારી પણ હોતી નથી, છતાં તેમના ઉપર બેફામપણે દોષારોપણ થઈ જતું હોય છે. આ ઉપરાંત નજીકની વ્યક્તિઓ, સગા-સંબંધી, મિત્રો, શિક્ષકો વગેરે માટે પણ તેમની ગેરહાજરીમાં નિંદા-કૂથલી થઈ જતી હોય છે. આને કળિયુગનો પ્રભાવ કહો કે મનુષ્યનો પ્રાકૃતિક દુર્ગુણ, પણ નાનાથી લઈને મોટી ઉમરના ં સહુના વ્યવહારમાં આ એક કુટેવ બહુ સામાન્યપણે જોવા મળે છે. મિત્રો, નવાઈની વાત તો એ છે કે આવું અવિરત ચાલ્યા જ કરતું હોય છે અને અજાણતાં જ આપણે આવતા ભવ માટે અધોગતિના બીજ દિવસ-રાત રોપી દેતાં હોઈએ છીએ ! અક્રમ યુથના આ અંકમાં પરમ પૂજ્ય દાદા ભગવાને આપેલી નવ કલમોમાંની આઠમી કલમ માટે વિસ્તૃત સમજણ મેળવીએ. જેથી કરીને આવી ભૂલો ક્યાં-ક્યાં થાય છે, તે આપણી દૃષ્ટિમાં આવે અને આ કુટેવમાંથી બહાર નીકળી શકાય, તે માટે શક્તિઓ માંગીએ.