Share
ભાગ - ૩ રામાયણ ફોર યુથ BACK

મિત્રો, તમે કદાચ નહીં જાણતા હો, સંસ્કૃત ભાષામાં ૨૪૦૦૦ શ્લોકો દ્વારા રચવામાં આવેલ ‘રામાયણ મહાકાવ્ય’ની ગણના સાહિત્ય વિશ્વના સૌથી મોટા પ્રાચીન મહાકાવ્યોમાં થાય છે. રામાયણની કથા ફક્ત હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતી મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કમ્બોડીયા, ફીલીપાઈન્સ, વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. સમગ્ર માનવ જાતિને માર્ગદર્શક બને એ હેતુથી, વાલ્મિકી ઋષિએ આજથી હજારો વર્ષ પહેલા ભારતીય સંસ્કૃતિના આ ઐતિહાસિક ગ્રંથની રચના કરી હતી. આજે પણ ભારતીય જીવનશૈલી, સમાજવ્યવસ્થા અને કૌટુંબિક જીવન પર રામાયણનો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શપાત્ર બની રહે છે. જેમ આપ સહુ જાણો જ છો, આ આપણો અક્રમ યુથની રામાયણ શ્રેણીનો ત્રીજો અને છેલ્લો અંક છે. આવા મોટા ગ્રંથનો સારાંશ ફક્ત ત્રણ અંકોમાં સમાવવાનો પ્રયાસ એ સાગર ને ગાગરમાં સમાવવા જેવું કઠિન છે. તેમ છતાં આ પ્રયાસ, આપણા પૌરાણિક ગ્રંથ થકી યુવાન ભાઈઓ-બહેનોને બોધ પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર પુરો પાડશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. જય સચ્ચિદાનંદ !!! *નોંધ: પ્રસ્તુત અંકમાં રજૂ કરાયેલા રામાયણના પ્રસંગો વિવિધ શાસ્ત્રો અને ગ્રંથોમાં ઉપલબ્ધ માહિતીના આધારે સંકલિત કરવામાં આવ્યા છે અને તેનો એકમેવ હેતુ આજનો યુવા વર્ગ તેમાંથી સાચી શીખ મેળવે તે જ છે. ડીમ્પલ મહેતા