Share
Why? BACK

મિત્રો, આપણને જીવનમાં જાત-જાતના પ્રશ્નો ડગલે ને પગલે ઉભા થતાં હોય છે અને પ્રશ્નો ઉભા થવા અને તેના સમાધાન મેળવવામાં કશું ખોટું નથી. જો વૈજ્ઞાનિકોને પ્રશ્નો ન થયા હોત અને તેમણે તેના જવાબ શોધવાનો પ્રયાસ ન કર્યો હોત તો કદાચ ભૌતિક વિજ્ઞાનમાં આટલી શોધખોળો ના જોવા મળત. બધી જ ચીજ-વસ્તુઓ કે જે આજે આપણા જીવનના ભાગ જેવી બની ગઇ છે જેવી કે મોબાઈલ, ઇન્ટરનેટ, ટીવી, કાર, બાઇક વગેરેની શોધખોળોના પાયામાં પણ “પ્રશ્નો” જ હતા. અને તેના જવાબ રૂપે આ ભૌતિક સાધનો ઇનવેન્ટ થયા. આધ્યાત્મિક વિજ્ઞાનમાં પણ સાધકને ઉભા થતા પ્રશ્નો તેમની પ્રગતિનું મોટું કારણ બને છે. આ જગત કોણ ચલાવે છે ? સંસારીઓ અને સ્ત્રીઓનો મોક્ષ કેમ ન થઈ શકે ? જો દાદાશ્રીને આવા પ્રશ્નો ન ઉભા થયા હોત તો કદાચ આ અદ્દભૂત અક્રમ વિજ્ઞાન પ્રગટ ન થયું હોત ! જીવનમાં સાધારણ રીતે શું ?, ક્યારે ?, ક્યાં ?, કેમ ? જેવા પ્રશ્નોના જવાબ મેળવવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ પણ પ્રશ્નો શા માટે પૂછવા, કેવા પૂછવા, કોને પૂછવા, કઈ રીતે પૂછવા અને તેનો વિવેક ચૂકી ન જવાય એની તકેદારી અવશ્ય રાખવી જોઈએ. પ્રસ્તુત અંકમાં મુખ્યત્વે “કેમ ?” - એવો એક સામાન્ય સવાલ, કે જે ક્યારેય આપણો પીછો નથી છોડતો - ના વિશે છણાવટ કરવામાં આવી છે. “કેમ ?” પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ, તેના ફાયદા અને નુકશાન, “કેમ ?” પ્રશ્નનું મહત્વ વગેરેની વિવિધ વાતો કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રશ્નો પૂછવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ આ અંકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે જે તમને ઉપયોગી નીવડશે એવી આશા સાથે ..... - ડિમ્પલ મહેતા