Share
મીટ સકતી હૈ યે દુરીયા BACK

પ્રિય મિત્રો, યુવાનીમાં પગ મૂકતાની સાથે જ મોટા ભાગના યુવાન ભાઈઓ-બહેનોના તેમના માતા-પિતા સાથેના સંબંધોમાં મોટો બદલાવ જોવા મળે છે. જે માતા-પિતાએ પોતાની અનુકૂળતા કે પરિસ્થિતિની પરવા કર્યા વગર કેટલાય કષ્ટો સહન કરી આપણી બધી જ જરૂરીયાતોને પુરી કરી ભણાવી-ગણાવી સારું જીવન જીવવાને લાયક બનાવ્યા, તે જ પેરેન્ટ્્સ આપણને જુનવાણી અને કચકચિયા લાગવા માંડે છે. એટલું જ નહીં, વાત-વાતમાં મા-બાપ સાથે ઉધ્ધત વર્તન કરવાની કે દુ:ખ પહોંચાડી દેવાની ભૂલ પણ થઈ જતી હોય છે. પરિણામે પેરેન્ટ્્સ અને યુથના સંબંધો વચ્ચે જાણે એક તિરાડ પડી જાય છે જે સમય સાથે વધુ મોટી થતી જાય છે. આવું બનવું કદાચ સ્વભાવિક છે કારણ કે તમારા પરેન્ટ્્સે તેમની યુવાવસ્થા દરમિયાન તમારા કરતાં ઘણા જુદા સામાજિક અને આર્થિક સંજોગોનો અનુભવ કર્યો હોય છે જેનો પ્રભાવ તેમના વિચાર અને રહેણી-કરણી પર જીવનભર રહે છે. આ અસમાનતાને લીધે તેમની અને તમારી વિચારધારા અને જીવનશૈલીમાં ઘણો તફાવત જોવા મળે છે જેને અંગ્રેજીમાં આપણે જ્નરેશન ગેપ કહીએ છીએ. તેના ફળ સ્વરૂપે આ સુંદર અને પ્રેમાળ સંબંધમાં સંઘર્ષણ ઉભા થાય છે અને જો તેનો સમયસર ઉકેલ ન લાવવામાં આવે તો સમસ્યા વધારે જટિલ બનતી જાય છે. પણ શું આ ગેપને દૂર કરવાનો કોઈ ઉપાય છે ? હા દોસ્તો, બહુ જ સહેલો ઉપાય છે અને તે પણ તમારા જ હાથમાં છે. અક્રમ યુથના આ અંકમાં માતા-પિતા અને યુથની એકબીજા સાથેના વ્યવહારમાં આવતી મુશ્કેલીઓની તેમજ તેના નિરાકરણની ચર્ચા કરવામાં આવી છે જે દરેક યુવાન ભાઈ-બહેનને પોતાના પેરેન્ટ્્સ, જેમને જ્ઞાનીઓેએ અને શાસ્ત્રકારોએ જીવતા ભગવાનનો દરજ્જો આપ્યો છે, સાથેના સંબંધો વધારે ઉષ્માભર્યા બનાવવામાં ખૂબ જ મદદરૂપ થશે. - ડિમ્પલભાઈ મહેતા