Share
ભીષ્મ BACK

વ્હાલા મિત્રો, પ્રાચીન યુગના સુપ્રસિદ્ધ ગ્રંથ મહાભારત અને તેના મહાન પાત્રોથી તો આપણે સૌ સુપરિચિત છીએ જ. મહાભારતની વાર્તા ભીષ્મ પિતામહ, વિદુર, પાંચ પાંડવો, કૌરવો, શ્રીકૃષ્ણ, કર્ણ, આચાર્ય દ્રોણ, કુળગુરુ કૃપાચાર્ય... જેવા અનેક મહાનચરિત્રોથી સભર છે. આ પ્રત્યેક પાત્રોની પોત-પોતાની આગવી વિશિષ્ટતા છે. જો આ મહાનપુરુષો અને તેમના જીવન પ્રસંગોને યથાર્થરૂપે સમજવામાં આવે તો તે સમજ આપણા જીવનમાં ખૂબ મદદરૂપ બની શકે છે. આવા ઉમદા ઉદ્દેશ સાથે, આપણા પ્રિય અક્રમ યુથના આ મહિનાના અંકમાં મહાભારતના આવા વિરાટ પુરૂષોમાં સૌથી અગ્રેસર એવા પિતામહ ભીષ્મનો પરિચય કરાવવાનો અને તેમના જીવનના મુખ્ય પ્રસંગોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. તમને પ્રશ્ન થશે ભીષ્મ જ શા માટે ? મહાભારતની ગાથામાં તો બીજી પણ કેટલીય દિગ્ગજ પ્રતિભાઓ છે. પણ મિત્રો, જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા માટે જરૂરી ગુણો ધરાવનાર વિરાટ વ્યક્તિત્વને કારણે ભીષ્મ પિતામહ અલગ જ તરી આવે છે. તેઓ કુરુ સામ્રાજયના એક અજેય યોદ્ધા, વિદ્વાન, કુશળ રાજનીતિજ્ઞ, સત્ય અને ધર્મના સમર્થક તેમજ અસંખ્ય અસામાન્ય શક્તિઓ ધરાવતા મજબૂત સ્તંભ સમાન છે. આશા છે કે આવા વિવિધ ગુણસભર મહાપુરુષને સમર્પિત આ અંકનું વાંચન આપણા સૌ માટે રસપ્રદ અને રોમાંચક રહેશે, સાથે-સાથે જીવનમાં પણ પ્રેરણારૂપ બની રહેશે. - ડિમ્પલભાઈ મેહતા