Share
લાઈફનું ઘી એન્ડ BACK

વ્હાલા મિત્રો, જન્મ અને મરણની ઘટમાળ અનિવાર્ય છે અને કોઈના હાથમાં નથી. જે જન્મે છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે. આ એક એવું સત્ય છે જેનો સામનો દરેક વ્યક્તિએ જીવનમાં કરવો જ પડે છે. તેમજ નજીકની વ્યક્તિઓના મૃત્યુને સ્વીકારવું ખુબ જ દુ:ખદાયી બની રહે છે. મૃત્યુ વિષે જાત-જાતની માન્યતાઓ પ્રવર્તે છે પણ મૃત્યુ અંગેનો વાસ્તવિક ફોડ કોઈ પાડી શકયું નથી કારણ કે જે મૃત્યુ પામે છે તે એના અનુભવો કહી શક્તો નથી અને જે જન્મ પામે છે તે તેની પાછલી અવસ્થા સ્થિતિ જાણતો નથી. આમ મૃત્યુ અંગેના પ્રશ્નોએ અનંત કાળથી લોકોને ભ્રમણા અને ભયમાં રાખ્યા છે. વૈજ્ઞાનિક પ્રગતિની હરણફાળ પણ આ બાબતનો ફોડ નથી પાડી શકી. મૃત્યુ જેવા ગંભીર અને સંવેદનશીલ વિષય પર આધારિત અક્રમ યુથના આ અંકમાં જીવનની આ સૌથી કપરી તેમજ અફર અવસ્થા સંબંધી કયારેય ન જાણ્યા હોય તેવા રહસ્યો ખુલ્લા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આશા છે કે જ્ઞાનીપુરુષ દાદાશ્રી દ્વારા ખુલ્લી કરાયેલ આ હકીકત આપણને આ કડવી વાસ્તવિકતાનો સ્વીકાર કરવા માટેની યોગ્ય સમજણ પૂરી પાડશે. સાથે સાથે જીવનમાં ક્યારેય પણ આવા સંજોગોનો સામનો કરવાનો આવે તો મેળવેલ સમજણ થકી આપણે સ્થિરતાપૂર્વક, શોક-દુ:ખમાં ન રહેતા બીજાને પણ તેમાંથી બહાર કાઢી શકવા સમર્થ બનવા મદદરૂપ થઈશું... - ડિમ્પલભાઈ મહેતા